Thursday, June 18, 2009

હું પણ તને ગમું છું, તું પણ મને ગમે છે

હું પણ તને ગમું છું, તું પણ મને ગમે છે,
શમણું બની ચૂમું તને તો બેઉને ગમે છે.

ફૂલો રડી કહે તમે કાં મહેકતા નથી?
ચંપા ચમેલી ચાંદ સંગ હવે ટહેલતા નથી;
ઝાકળની આરઝુ વિષે તડકાઓ બેફીકર,
દિવાનો છું તમારો ગુલશન છે બેખબર.

વર્ષો પછી મળી મને આ મારી વાર્તા,
પાને પાને લખી દીધું અમે તને ચાહતા;
પાગલ થઈ છું એટલી હવે તારા પ્યારમાં,
ઈશ્વર બની વસે છે તું મારા શ્વાસમાં.

પ્રીતિના અવસરિયે સરવાની વાત છે

પ્રીતિના અવસરિયે સરવાની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

તારા બગીચામાં વહેતી હવા હું તો,
ચાંદની છું તારા આકાશમાં;
આપણે જોઈએ કે શું શું હવે ખીલે છે,
તારા ને મારા સહેવાસમાં.
ભવમાં ભવમાં સંગાથે ફરવાની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

તું તો છે ને દરિયો ને હું તો તરંગ,
તું તો ગુલાબ હું તો પાંદડી નો રંગ;
તારી આંખોમાં સૂર્યોદય જોવા જાગું છું,
મારી રાતોની સંગ.
પાગલ કોઈ ઓચ્છવ ઉજવાવની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.