Thursday, February 19, 2009

હું તને ધારું તો હું તને જ જોઉં છું

હું તને ધારું તો હું તને જ જોઉં છું,
હોય આસ-પાસ હવા છતા,
હું તને જ શ્વસું છું,
અનેક મુલાકાત પછી પણ,
હું તને જ શોધું છું,
ચહેરાઓનાં આ જંગલમાં,
હું તને જ જાણું છું,
હું તને વિચારું જો તો હું તને જ લખું છું,
મેળવું અનેક રૂપમાં તને પણ,
હું તને જ યાચું છું,
તું છે હ્રદય સામ્રાટ,
હું તને જ ચાહું છું,
તું છે મારાં રોમ રોમમાં,
હું તને જ જીવું છું.

Wednesday, February 11, 2009

પ્રથમ એ સ્પર્શનું કંપન હજુ તાજું સ્મૃતિમાં છે

પ્રથમ એ સ્પર્શનું કંપન હજુ તાજું સ્મૃતિમાં છે
ભીતર પેદા થતું સ્પંદન હજુ તાજું સ્મૃતિમાં છે

બધા ચહેરાઓ વચ્ચેથી અલગ એક ઊઠતો ચહેરો
કર્યું નજરોથી રેખાંકન હજુ તાજું સ્મૃતિમાં છે

નજર નીચી ઝુકાવીને મુલાયમ સ્મિત વેળાએ
પડ્યું તું ગાલમાં ખંજન હજુ તાજું સ્મૃતિમાં છે

કર્યો ઘાયલ મને જેણે નજરનાં એક કામણથી
એ મોહક આંખનું અંજન હજુ તાજું સ્મૃતિમાં છે

કદી પણ મુક્ત થાવાની ન ઇચ્છા થાય એમાંથી
એ બાહુપાશનું બંધન હજુ તાજું સ્મૃતિમાં છે

Friday, February 6, 2009

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે,
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે,
માળાની ઝંખના નથી મારા વિહંગને,
મુજ શ્વાસમાં લિંપાયું આકાશ છો તમે.

Wednesday, February 4, 2009

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પળાય એવો કાયદો,
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો!

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.

પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.

જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.

આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.

-ઊર્મિ