Thursday, January 22, 2009

આવ જો અહીં, તારી ઉદાસ આંખો માં ખુશીના શમણા સરજી દઉં

આવ જો અહીં, તારી ઉદાસ આંખો માં ખુશીના શમણા સરજી દઉં
પળ બે પળ તું બેસ નદીની પાળ,સ્મૃતિપટ પર મારી યાદો વાવી દઉં
ફરી પછી વળીને આવે આજ નદીની રેત માં, એવી પ્રિત તને દઉં,… આવ જો.

થંભાવ એક ક્ષણ તારા જો પગને મુજ આંગણ, પ્રિતપાયલ બાંધી દઉં
પલળેલા તારા પ્રિત-પાલવ માં, આપણા પ્રેમની ગોષ્ઠી ગુંથી દઉં,…આવ જો.

ઉરના તંરગને લાવી ઊંમંગ થી અવસર માં, ચાર ફેરા ફરાવી દઉં
તારો જો હોય હાથ મારા હાથમાં, આ ધર ને ધરથી 'સ્વર્ગ' બનાવી દઉં,…આવ જો.

Friday, January 16, 2009

પરિચય છે મંદિરમાં દેવોને મારો

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

-શૂન્ય પાલનપુરી

Thursday, January 15, 2009

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.