Friday, November 20, 2009

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ પર મને

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ પર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.....

Thursday, November 12, 2009

એક નાનુ ઘર

એક નાનુ ઘર મળે ને ગામનુ પાદર મળે,
એક નાના ખાટ સાથે બસ પછી ચાદર મળે.

હીંચકે બેઠા પછી પણ તને કાગળ લખું,
એક એવી યાદનો ઊંચો મને દાદર મળે.

એક એવા આંગણે આવી અને ઊભો રહું,
ભાવભીની આંખથી જ્યાં આવ ને આદર મળે.

યાદનું ઝરણું વહે છે ત્યા હવે હું જાઉં છું,
રાત લાંબી હોયને સપનું ભર્યું ભાદર મળે.

એક એવા વૃક્ષના છાંયા તળે બેસી શકું,
શ્વાસને ગણતો રહુંને બસ પછી નિંદર મળે.

Thursday, June 18, 2009

હું પણ તને ગમું છું, તું પણ મને ગમે છે

હું પણ તને ગમું છું, તું પણ મને ગમે છે,
શમણું બની ચૂમું તને તો બેઉને ગમે છે.

ફૂલો રડી કહે તમે કાં મહેકતા નથી?
ચંપા ચમેલી ચાંદ સંગ હવે ટહેલતા નથી;
ઝાકળની આરઝુ વિષે તડકાઓ બેફીકર,
દિવાનો છું તમારો ગુલશન છે બેખબર.

વર્ષો પછી મળી મને આ મારી વાર્તા,
પાને પાને લખી દીધું અમે તને ચાહતા;
પાગલ થઈ છું એટલી હવે તારા પ્યારમાં,
ઈશ્વર બની વસે છે તું મારા શ્વાસમાં.

પ્રીતિના અવસરિયે સરવાની વાત છે

પ્રીતિના અવસરિયે સરવાની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

તારા બગીચામાં વહેતી હવા હું તો,
ચાંદની છું તારા આકાશમાં;
આપણે જોઈએ કે શું શું હવે ખીલે છે,
તારા ને મારા સહેવાસમાં.
ભવમાં ભવમાં સંગાથે ફરવાની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

તું તો છે ને દરિયો ને હું તો તરંગ,
તું તો ગુલાબ હું તો પાંદડી નો રંગ;
તારી આંખોમાં સૂર્યોદય જોવા જાગું છું,
મારી રાતોની સંગ.
પાગલ કોઈ ઓચ્છવ ઉજવાવની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

Wednesday, May 27, 2009

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.

અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.

સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.

મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

Friday, April 17, 2009

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,
એ જ આંખોમા આંસુ બનીને પણ તુ જ આવે.

મારા દિલમા ધડકન બનીને તુ આવે,
એમા હલચલ બનીને પણ તુ જ આવે.

મારી આસપાસ એકાંત બનીને તુ જ આવે,
એ એકાંતમા યાદ બનીને તુ જ આવે.

નાજુક સ્પર્શ ઠંડી હવાનો બનીને તુ આવે,
એ જ હવામા મહેક બનીને તુ જ આવે.

મારા આંસુ તારી હથેળીમા ઝીલવા તુ આવે,
રડતી મને તારામા સમાવી લેવા તુ જ આવે.

મારા ગાલ પર અલકલટ બનીને આવે,
એ જ ગાલ પર રતાશ બનીને તુ જ આવે.

મારા હોઠ પર સ્મિત બનીને તુ આવે,
અચાનક એના પર ભીનાશ બનીને તુ જ આવે.

Thursday, March 19, 2009

જત જણાવાનું તને, તારા નશામાં હોઉં છું

જત જણાવાનું તને, તારા નશામાં હોઉં છું,
શું લખું, શું કહું તને, હું કયાં કશામાં હોઉં છું!

પાત્ર ખાલી કે છલકતું હો ફરક પડતો નથી,
જે દશામાં હોઉં છું હું એ દશામાં હોઉં છું.

સ્થળસમય કયારેક તો પથરાય તારા પંથમાં,
દૂર કે નજદીક હું એક જ દિશામાં હોઉં છું.

તગતગું તડકો થઇ તારા બધા દિવસો મહીં,
અંધકારે મઘમધ્યો તારી નિશામાં હોઉં છું.

તું કહે, કયારે નથી હોતો હું તારા શ્વાસમાં,
આમ જો કે હું હંમેશાં કહેકશાઁમાં હોઉં છું!